ગરબા-રાસ જોઈ  અને દશેરાનો તહેવાર ઉજવી અમે સૌ આનંદમાં હતાં. દીકરો પાર્થ વહેલી સવારે ત્રણ વાગે દુબઈથી આવવાનો છે અને રાજેશ તેને લેવા એરપોર્ટ જવાના છે. રેશ્મા વહુ સુવાવડ માટે અહીં  છે એટલે પાર્થની અમદાવાદની મુલાકાતો વધી છે, જે અમારે માટે આનંદનો વિષય છે. વિચારોમાંને વિચારોમાં આંખો લાગી ગઈ. સરસ ઊંઘ આવી ગઈ, ત્યાં તો દરવાજે (દિલના?) ટકોરા સંભળાયા.

અડધી રાતનો સમય હતો એટલે મેં ધીમેથી બારણું ખોલ્યું. અરે! આ તો નાનું બાળ! કેવું સુંદર! કેટલું  સરસ, તંદુરસ્ત શરીર! સવાશેર સુંઠ ખાધી હશે તેની માતાએ! મને વિચાર આવ્યો. તેનું મોં ……. આ  પાર્થ છે કે શું? હું ભાન ભૂલીને વર્ષો નાની થઈ ગઈ! ખુશખુશ થઈને ઝૂમવા લાગી. આનંદથી ગાંડી થઈ ગઈ! દોડીને બેટુ માટે રમકડું લેવા ગઈ અને પાછી આવીને શું જોયું? આ તો નાની પરી છે! કેટલી રૂપાળી અને કેટલી નખરાળી! હસતી, રમતી, ચંચળ હરણી જેવી! જરા ધ્યાનથી જોતાં ચહેરો જાણીતો લાગ્યો…. ઓહ, આ રેશ્મા છે કે શું ? રેશ્મા નાની હતી ત્યારે  જોઈ તો ન હતી પણ આવી જ સુંદર લાગતી હશે! મેં તેને  બહુ વહાલથી બોલાવી અને સરસ ફૂલ તેના નાના નાના હાથમાં મુક્યું. ‘લાવ, ફૂલ તારા વાળમાં નાંખી આપું’ બોલી સામે જોઉં તો આ કોણ? આ ચીર-પરિચિત ચહેરો કોનો? રાજેશ તો નહીં? લાંબા વાંકડિયા વાળની લટો ચહેરા પર ઝૂલતી હતી! મરક મરક થતું તોફાની હાસ્ય કંઈ છૂપું રહે? હું તો તેમનાથી ઘણી નાની અને મેં તો તેમને ક્યારેય બાળ-સ્વરૂપે જોયા પણ નથી! હજી તો હું વિચારોના વંટોળમાં જ હતી ત્યાં મારો હાથ પકડી મને તે બોલાવે છે…… અરે! ઓહ! અકલ્પ્ય! આને તો હું રોજ અરીસામાં જોઉં છું! મારી જ નાની પ્રતિકૃતિ! હું નાની હતી ત્યારે કેવી હતી તેની વાતો મમ્મી કરતી, તેવી જ આબેહૂબ! અને પછી તો પળેપળે બાળક રૂપ બદલવા લાગ્યું….. ક્યારેક મારો ભાઈ બની જાય તો ક્યારેક વેવાઈ ને વેવાણ બની જાય! ક્યારેક વહાલાં મિત્રો, સગાં-સંબંધીઓ  અને પડોશીઓનું રૂપ ધરે તો ક્યારેક બિલકુલ ઓળખાણ વિનાનાં નેતા, વિજ્ઞાની, રાજકારણી, કલાકારનું રૂપ ગ્રહે! જોતજોતામાં તો બધાં ઓળખીતાં-પાળખીતાં, વિખ્યાત માણસો હાજર થઈ ગયાં અને તે સૌને મળીને મને ખૂબખૂબ આનંદ થયો.

ઘરની બેલ વાગી. રાજેશ અને પાર્થ અંદર આવ્યા. ધીમેથી મને જગાડી. હું તો મીઠા સપનામાં રાચતી હતી, ઝબકીને જાગી ગઈ. હત્તતારીની! તો આ બધું સપનું હતું…..! તોફાની કાનુડો તો માટી ખાય અને માતા જશોદા વઢે ત્યારે મોં ખોલી વિશ્વદર્શન કરાવે! ડિજિટલ યુગના બાળકે તો અવતરતા પહેલાં જ ખેલ રચવાના શરુ કરી દીધા! નારાયણ! નારાયણ!

– દર્શા કિકાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *