જર્જરિત થઈ ગયેલ જૂના પુરાણા મકાનના દરવાજાની નાનકડી તિરાડમાંથી જેમ વહેલી સવારનો તડકો  ઘરમાં પ્રવેશે તેમ મારા ઓરડામાં એ પ્રવેશી. હું પુસ્તક બંદ કરું  ત્યાં તો એ સામે ઊભી હતી. હું અવાક થઇ ગયો. મારી આંખમાં અપ્રતિમ દ્રષ્ટિ આવી હોય એવું લાગ્યું. આજથી સત્યાવીશ વર્ષ પહેલા જેમ એણે મારા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. એમ આજે  એ જાણે ફરી ગૃહપ્રવેશ કરી રહી હોય એવી અનુભૂતિથી હું ભરાઈ ગયો. ફરક માત્ર એટલો જ છે કે  સત્યાવીશ વર્ષ પહેલા એ મારા ગામમાં,મારા વતનમાં જે  ઘટના ઘટી હતી તે આજે પરદેશની ભૂમિ પર !  કેટલાય પ્રશ્નો, કેટલીય ફરિયાદો એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. મારા રૂમની નાની  વસ્તુથી લઇ અને સજાવટ સુધ્ધા સ્વદેશી છે. આ બધું અવલોકન કર્યા પછી મારી સામે જોઈ એણે  ગંભીર સ્વરે કહ્યું,

“તારા ઓરડામાં ભારતની સુગંધ છે પણ ‘શું તું ભારતીય નથી ?’

‘હતો હવે નથી.’

હું એની આગળ મારી જાતને છુપાવવાનો પ્રયત્ન કરું છું અને એ કેવું મહારહસ્ય છે, કેવું અપાર આશ્ચર્ય છે, – આજે એના સમગ્ર અસ્તિવ વડે એ મને ફરી ઓળખી રહી છે.

‘ખોટું બોલતાં તું હજી અચકાતો નથી ?  હું તારી અંદર  એ સંસ્કૃતિની ધરોહરને ધબકતી જોઈ શકું છું.એમ જ જેમ ઓગણીસ વર્ષની વયે તું એના રંગે રંગાયેલો હતો. હું તને મળવા કે લેવા નથી આવી, હું  માત્ર તને જગાડવા આવી છું. કર્તવ્યથી  વિમુખ થયા પછી કંપી ઉઠેલા તારા કાળજાને ટેકો દેવા આવી છું.  તું અવાસ્તવિક જગત ખડું કરી એમાં વસે છે એ તારા ગાંડપણમાંથી તને ઊભો કરવા હું આવી છું. મારા વિરાટ પતિની દુર્બળતા હું જાણું છું એટલે જ  મારું કર્તવ્ય હું નથી ચૂકી અને એજ કર્તવ્ય મને અહીં લઇ આવ્યું છે. તારી પાસે આજે હું તારી પત્ની નથી કે નથી તારી  પ્રેયસી. હું માત્ર ભારતીય નારી છું…આજે હું માત્ર ભારતીય નારી છું.

‘જો તું ધારે તો અપાર યશ અને માનનો અધિકારી થઇ શકે તેમ છે. જન,સમાજ અને દેશ બદલવાની તારી ખુમારી આજે ક્યાં ગઈ ? આજે આપણી સંસ્કૃતિ દંભ,ઈર્ષ્યા અને પ્રલોભનનો ભોગ બની છે. સંસારના પરિવર્તનના નિયમો એ  એનું માથું શરમથી નીચું કરી એના સમ્માન અને પ્રતિષ્ઠાને વિનાશના આરે લઈ આવ્યા છે.’

“હું સમજુ છું, મેં તો શબરીની પ્રતીક્ષા અને અહલ્યાની સ્થિરતા ઝંખીતી. પણ મારા અથાગ પ્રયત્નોમાં સતત મળતી નિષ્ફળતા મને અહીં લઈ આવી.”

‘ઘણી વેદનાઓ એવી છે જે આપણને એકલાને જ સહેવાની છે, લોકો ઉપર તેની અસર નથી થવાની.જેમ મા વિહોણા બાળકો આક્રંદ કરે એમ ભવિષ્યમાં આપણને ચારેબાજુથી આક્રંદ સંભળાશે સંસ્કૃતિ વિહોણી ધરાનો.આંખ બંદ કર જો  ઈતિહાસ પુરાવો આપશે સંસ્કૃતિના  જતનમાં ઘણું ત્યાગવું પડશે. ત્યેન ત્યકત તેન ભુજીથા ….’

ઈશ્વરે માનવ જાતને એક અમૂલ્ય ભેટ આપી છે અને એ ભેટ સ્ત્રી છે એ હું આજે ગર્વથી કહી શકું છું આટલા વર્ષો પછી કોઈ મારા અંતર મનમાં પ્રેમ પુરતું હતું.લડીને પડી ભાંગવાને બદલે એ ઉપર ઊઠે છે. એ પોતાની અંદર જ એક બીજા અસ્તિત્વનું સર્જન કરે છે. અને આજે એ મારી અંદર મારા સ્વરૂપનું મારી સંસ્કૃતિનું સર્જન કરી રહી હતી.

‘શું વિચારે છે ?’

‘આટલા દિવસ જે  વિચાર ચૂકી ગયો હતો  એ જ વિચારું છું. વિકૃતિનો ભોગ બની હું પરદેશમાં રહેવા આવ્યો,

‘તો ચાલ પાછો, હવે મોડું ન કર. છોડી દે બીજી બધી જ  વાતો નહિતર વિચારોના ગાઢ કળા વાદળ આપણા મનને ઢાંકી દેશે’

એક અપાર પુણ્યવતી માતા મારી ભીતર સંસ્કારોને પ્રજવલિત કરી રહી હતી. મારા મનનો ખૂણો જ્યાં અવિશ્વાસનો ઘોર અંધકાર જામેલો છે ત્યાં પ્રકાશ પડી રહ્યો છે. મારી  ક્ષુદ્ર જીવનનૌકા હવે મારા વતન તરફ, મારી ભુલાઈ ગયેલી સંસ્કૃતિ તરફ ગતિ કરી રહી હતી. મારો વારસો તો સત્યમ શિવમ સુંદરમનો   છે તો મારી અંદર આટલા વર્ષો સંદેહ શા માટે રહ્યો ? વેદોમાં પણ કહ્યું છે ‘બધું મધુ છે, વાયુમાં પણ મધુ છે’. ક્યાં ગયું એ મારું શાસ્ત્રોનું જ્ઞાન ? ક્યાં ગયું એ મારું વેદોનું જ્ઞાન ? એ હું ન સમજી શકયો.

એક ક્ષણ માટે અતીતમાં સરી જતા,

છેલ્લા સત્યાવીસ વર્ષ થયા એ મારા પરિવારને સાચવે છે, ઘરે આવી ત્યારથી જ એને જવાબદારીનો પોટલો માથે ઉપાડી લીધો હતો. ગામમા કોઈ ભણેલો નહીં એટલે બાળકોને સાંજે ઘરની ચાલીમાં ભેગા કરતી અને અક્ષર જ્ઞાન આપતી. ગામના કોઈ પણ બાળકમાં કુસંસ્કારની અસર ન પડે એની કાળજી લેતી. ગામનો દરેક બાળક ગામના વિકાસનો વિચાર કરે એવી સમજના બીજ એણે દરેક બાળકમાં રોપી દીધા હતા.રાત્રે મારા માતા પિતાને ગીતાનો પાઠ સંભળાવી પછી જ જમતી. ગામના સરપંચ નાનજી કાકા કહેતા હતા “તું જતન કરીશ આપણા વારસાને જીવતો રાખીશ. દરેક યુવાનમાં માનવ માનવ વચ્ચે વધતાં અંતરોને જોડતી કડી બનીશ. સમાજને સત્યનો સ્વીકાર કરાવીશ. ભોય પર આવી પડેલ પ્રજાને સંમાનના આસને લઈ જઈશ.”

શ્રીના  માતા-પિતા કોણ છે ? એ કોઈ નથી જાણતું. એક સવારે ગામના ખેતરોમાં ભસતાં કૂતરાનો અવાજ સાંભળી  તપાસ કરતા મણીબેનને શ્રી  ખેતરની વચ્ચેથી  મળી આવેલી.વિચાર કર્યા વગર એ દયાવાન ગ્રામીણ વૃધ્ધાએ  એને  ઘરે લઈ આવેલા. થોડા દિવસ તો મણીબેને ગામમાં અને આજુબાજુના ગામોમાં પૂછ પરછ કરી પણ બાળકીને  સ્વીકારવા કોઈ તૈયાર ન હતું. એકલવાયું જીવતા મણીબેને ઈશ્વરનું વરદાન સમજી સ્વીકારી લીધું. દાયકામાં એ વર્ષે પહેલી વખત ગામમાં વરસાદ સારો થવાથી સરપંચે એનું  નામ પુણ્યશ્રી એટલે કે પુણ્યની લક્ષ્મી એવું  પાડયું  એ  પછી  એ આખા ગામની દીકરી બની રહી. ગામમાં કોઈ  માંદો પડતો તો શ્રી સૌથી પહેલા પહોચી જતી. એ સાચુકલો જીવ સૌ ને આનંદ આપતું.

જયારે અમે એને પહેલી વખત ગામમાં શ્રીને જોવા ગયા હતા  ત્યારે આખું ગામ શ્રીના પક્ષે હાજર રહ્યું. ગામનો શ્રી ઉપર આટલો પ્રેમ જોઈ મારા માતા –પિતા  એના કુળ કે અતીત વિશે કોઈ  પણ વિચાર કર્યા વગર એને પસંદ કરેલી. એટલા સંસ્કાર એ ક્યાંથી કેળવી આવી ? ભારતીય સંસ્કૃતિ કુળ કરતા ગુણને વધારે પ્રાધાન્ય આપે છે. મારા પરિવારને શ્રીની જીવનશૈલી આકર્ષી ગઈ.મારી ઉમર ત્યારે ઓગણીસ વર્ષની હશે.મારા જીવનની વાત કરું તો  હું મારી જાતને લોકસેવામાં સમર્પિત કરવા માંગતો હતો. વન્ય વિરાસતને સાચવવું, હું એક ફરંદો હતો. એટલે સાંસારિક જીવન પ્રત્યે મને રસ ઓછો. માતા પિતાના ખૂબ આગ્રહથી મારા લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન પહેલા મેં મારી બધી વાત શ્રીને  સ્પષ્ટ કહી દીધી અને  શ્રી એ મારા વિચારોમાં સાથ પૂર્યો. હું આજેય  નથી ભૂલ્યો જયારે એણે મને કહ્યું હતું. ‘કોઈ પણ કાર્ય બે હાથે સારી રીતે થઇ શકે છે, જો  તમે મને બીજો હાથ સમજો તો’.

ગામ બહુ મોટું નહી. પણ સીમ ખેતરો એટલાં સુંદર કે જાણે કુદરતને કોઈ અંગત સંબંધ હોય ગામથી એવું લાગતું. તળાવ કાંઠે સ્ત્રીઓ સાથે બે ચાર ટાબરિયા બેફીકરા  થઈ નહાતા હોય, વડલાની વડવાયું અનોખો ઈતિહાસ કહેતી હોય. પાદરમાં બકરાં, વાછરડાં અને ગલુડિયાંથી રમતાં બાળકો એટલા ખુશ જણાતાં કે જાણે સ્વર્ગનાં ગંધર્વ હોય.

એ જ ગામમાં એક સમયે  પશ્ચિમી પવન ફૂંકાયો. ગામની પડતર જમીનમાં કારખાનાં નાખવાના નિર્ણય સાથે  મારું સમસ્ત ગામ તેમજ આજુબાજુના ગામના લોકો તૈયાર થઈ ગયા.ધીરે ધીરે ગામમાં મતભેદ સાથે મનભેદ થવા લાગ્યા જાણે ગામ વાવાઝોડામાં સપડાઈ ગયો હોય. આદિકાળથી મારા પૂર્વજોએ જેને દીકરા સમાન સાચવ્યું એ ગામ લોભના અતિરેકની ઝાપટમાં આવી ગયું છે.મારા અથાગ પ્રયત્ન છતાં કોઈ સમજી ન શક્યું.આંજી નાખતી  સુવિધાઓના પ્રલોભનો પાછળ ભવિષ્યનો વિનાશ કોઈને દેખાતો ન હતો .મને તો નજર સમક્ષ  ધુમ્માડિયા નગરમાં ટળવળતી  ભવિષ્યની સંસ્કૃતિ દેખાઈ રહી હતી .ગામે એવો બુદ્ધિજીવી  વર્ગ ગુમાવી બેઠો જે અયોગ્ય સામે અડગ રહી શકે.

એક દિવસ સાંજે મનેલાગ્યું મારું મન જંપી ગયું છે અને મારી હિંમત ખરી રહી છે.હું મારા અસ્તિત્વથી વિખૂટો પડી ગયો.સાવ અસ્વસ્થ માણસ  બની ગયો. મારી મનની સમજણ અસ્ત થતી જણાઈ મને.

‘આટલા દિવસ આટલી હિંમત તો અત્યારે તું કેમ ભાંગી પડે છે ?’.

એ સવાલથી હું ઝબકી ગયો.

‘હું  નિરાશાવાદી નથી, તેથી જ અત્યાર સુધી મારા ભાંગેલા હ્રદયમાં આશાનું એક નાનું સરખું પંખી  પાંખો તૂટી છતાં પડયું પડયું છેલ્લા શ્વાસ લેતું હતું.પણ હવે એ આશા અને માયાથી મુક્ત મહાપંખી મને અજ્ઞાત મહાપ્રદેશ તરફ ખેંચી રહ્યું છે’.

બીજા દિવસે વહેલી સવારે હું નીકળી પડયો. નવો દેશ, નવું શહેર અને અજાણ્યા ચહેરાની વચ્ચે હું ખોવાઈ ગયો.આજે આટલા વર્ષો પછી  એ મારા ભૂલાઈ ગયેલા વારસાને,મારી ચૂકાઈ ગયેલી ફરજને  મારી સામે બતાવવા મારા બારણે ઊભી છે ફરી પછી લઇ જઈ રહી છે. મારી સંસ્કૃતિ તરફ.કહી રહી છે “હજી કાઈ મોડું નથી થયું.”

  • વાર્તા નંબર: 82
  • શિક્ષકનું નામ : ગોપાલ જસાણી ઝરપરા – મુન્દ્રા
  • શાળાનું નામ : જરાપરા – મુંદ્રા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *