સતત સાતમા વર્ષે વાર્તા-મેળો વાર્તા-સ્પર્ધામાં સહર્ષ ભાગ લઈ અમને માતૃભાષાના વિકાસ-કાર્યમાં સહયોગ આપવા બદલ, ભાગ લેનાર શાળાઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર. વાર્તા-મેળો વાર્તા-સ્પર્ધાનો પ્રચાર અને પ્રસાર તો આપણે ઈ-માધ્યમથી જ કરીએ છીએ. ગયા વર્ષે વાત થઈ હતી તે મુજબ, આ વર્ષે આપણે એક વિકલ્પ તરીકે વાર્તાઓ આપણી વેબસાઈટ www.vartamelo.org પર online submission સ્વરૂપે પણ સ્વીકારી. નવી ટેકનોલોજી અને વેબસાઈટના ઉપયોગથી આપણે આ વર્ષે સ્પર્ધાના વિજેતાઓ ઉપરાંત દરેક પ્રતિસ્પર્ધીને પણ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સર્ટીફીકેટ આપ્યું. આખું વર્ષ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાને ગમતી વાર્તાઓ, કવિતાઓ, પ્રસંગો, ચિત્રો, માહિતી વગેરે એક બીજાને શેર કરી શકે, ગમતાનું ગુલાલ કરી શકે, તે માટે આ www.vartamelo.org વેબસાઈટનો ઉપયોગ કરવા આપ સૌને અમારું આમંત્રણ છે. તમારી શાળાની, તમારા ગામ કે શહેરની, નાની નાની ત્રણ-ચાર મિનિટની વીડિયો બનાવી અમને મોકલશો તો બધી સ્કૂલો તેને જોઈ શકશે. એકબીજાનો પરિચય થશે અને વધશે. વળી આપણો વાર્તા-મેળોનો સંઘ પણ ઘણો આગળ વધશે, એવી અમારી ઈચ્છા છે।

મોટા ભાગની વાર્તાઓ આપણી વેબસાઈટ પર આવી. થોડી વાર્તાઓ પોસ્ટથી પણ મળી. ગયા વર્ષ કરતાં આ વર્ષે વિદ્યાર્થીઓની વાર્તાઓ વધારે સંખ્યામાં આવી છે. 914 વાર્તાઓ આપણને વિદ્યાર્થીઓ તરફથી મળી છે. શિક્ષકો તરફથી 125 વાર્તાઓ મળી છે. ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, અમદાવાદમાંથી આપણને 100થી પણ વધુ વાર્તાઓ મળી છે! ૨૦થી વધુ શાળાઓમાંથી ૨૦થી વધુ વાર્તાઓ મળી છે. તે શાળાઓ વિશેષ ઉલ્લેખ અને સર્ટિફિકેટના હકદાર બને છે.

આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને આ વર્ષની વાર્તાઓના પહેલા ફકરામાં "આઝાદી" શબ્દ આવવો જરૂરી હતો. મોટાભાગની વાર્તાઓ આઝાદી વિષય પર મળી. જો કે ઘણાં પ્રતિસ્પર્ધીઓએ "આઝાદી" શબ્દનું અને ભાવનું સરસ રચનાત્મક અર્થ-ઘટન કર્યું છે તેનો આનંદ છે! દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્તાઓમાં લોકવાર્તાઓ, રામાયણ, મહાભારત અને પંચતંત્રની વાર્તાઓ આવી છે. વાર્તાઓમાં સાંસ્કૃતિક વિવિધતા છે. સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સુભગ મિલન પણ છે. આ વર્ષે વિકાસગૃહ, અમદાવાદ તરફથી જાત-અનુભવથી પ્રેરાઈને લખાએલી વાર્તાઓ મળી જેનો વિશેષ આનંદ છે.

સંજોગોને ધ્યાનમાં રાખીને આ વર્ષે આપણે ઈનામ-વિતરણ સમારંભ મોકૂફ રાખ્યો હતો. આ વર્ષની વાર્તા-મેળો-૭ E-બુક તરીકે પબ્લિશ થશે અને આપણી વેબસાઈટ પર વાંચવા મળશે. તે ચોપડીની સાથે સાથે અગાઉની વાર્તામેળોની છ(૬) ચોપડીઓ પણ આપણે E-બુક તરીકે સાઈટ હાજર છે. ફક્ત ગુજરાતના જ નહીં પણ દેશના અન્ય રાજ્યોના તથા અન્ય દેશોમાંથી પણ એન.આર.આઈ. ગુજરાતીઓ, વાર્તા-મેળો કુટુંબમાં જોડાય એવી અમને ખૂબ-ખૂબ આશા છે.વાર્તા-મેળોની E-સફરમાં આપ સૌ ઉમંગથી જોડાઈ અમારો ઉત્સાહ વધારતા રહેશો તેવી આશા સાથે આપનો આભાર. આપણી વેબસાઈટ www.vartamelo.org માટે આપણને સંપૂર્ણ સાથ અને સહકાર આપવા બદલ દ્રષ્ટિ પંડ્યાનો આભાર માનીએ તેટલો ઓછો છે! વાર્તાઓના આકલનના કામમાં મને મદદ કરનાર સ્વેતલ ગજ્જર અને નંદીની ભાવસાર તથા રચનાત્મક ડીઝાઇનના કામ માટે શ્રી દેવપાલ શાહનો આભાર! ભાષા-તજજ્ઞ તરીકે અમને સહકાર અને દોરવણી આપનાર ગોવિન્દીનીબહેન શાહ અને લતાબહેન હીરાણીનો ઘણો ઘણો આભાર! મારા પતિદેવ શ્રી રાજેશ કિકાણી, કે જેમના સહકારથી જ દર વર્ષે વાર્તામેળો શક્ય બને છે, તેમનો આભાર કેવી રીતે માનું?

- દર્શા રાજેશ કિકાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *