વાર્તાષ્ટમીના મધુરા નામે ઓળખાએલ આપણી આઠમા વર્ષની વાર્તા-મેળો વાર્તા-સ્પર્ધામાં સહર્ષ ભાગ લઈ અમને માતૃભાષાના વિકાસ-કાર્યમાં સહયોગ આપવા બદલ, ભાગ લેનાર શાળાઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર! વાર્તા-સ્પર્ધાનો પ્રચાર અને પ્રસાર આપણે ઈ-માધ્યમથી જ કરીએ છીએ. વાર્તાઓ આપણી વેબસાઈટ www.vartamelo.org પર ઓનલાઈન સ્વીકારીએ છીએ. નવી ટેકનોલોજી અને વેબસાઈટના ઉપયોગથી આપણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધાના વિજેતાઓ ઉપરાંત દરેક પ્રતિસ્પર્ધીને પણ સ્પર્ધામાં ભાગ લેવા બદલ E-સર્ટીફીકેટ આપ્યું.

આ વર્ષે આપણે વિશ્વકોષ-ભવનના પ્રાંગણમાં ઇનામ વિતરણ સમારંભમાં વાર્તા-મેળો વાર્તા-સ્પર્ધાનાં પ્રતિસ્પર્ધીઓ અને વિજેતાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. માનનીય પદ્મશ્રી કુમારપાળભાઈ, ચંદ્રવદનભાઈ શાહ (CA) અને ડૉ. હસમુખભાઈ શાહ (બાળરોગ નિષ્ણાત)ની હાજરીમાં સભાગૃહમાં જાણે સિતારાઓની આખી આકાશગંગા ઊતરી આવી હતી! વિજેતાઓ ખરેખર નસીબવંત કે આવા સુજ્ઞ સભાવૃન્દની હાજરીમાં તેઓએ ઇનામ મેળવ્યાં.

વાર્તાઓમાં કોપી થોડી ઓછી થાય એટલે આપણે દર વર્ષે એક શબ્દ આપીએ છીએ. આ વર્ષે યુદ્ધનું વાતાવરણ હતું એટલે આપણે 'યુદ્ધ' શબ્દ આપ્યો જે તેમણે વાર્તાના પહેલા ફકરામાં વાપરવાનો હતો. પ્રતિસ્પર્ધીઓએ શબ્દનું અને ભાવનું સરસ રચનાત્મક અર્થ-ઘટન કર્યું છે તેનો આનંદ છે! 'વાર્તાષ્ટમી' માં શિક્ષકો પાસેથી 112 વાર્તાઓ મળી. વાર્તાઓ ગુજરાતના ઘણા જીલ્લાઓ અને શહેરો- ગામોમાંથી મળી. પ્રતિસ્પર્ધીઓનું Normal Distribution અને એટલે વિજેતાઓનું પણ Normal Distribution રહ્યું! વિદ્યાર્થીઓ પાસેથી 516 વાર્તાઓ મળી. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર જેવાં શહેરોમાંથી અને અમુક શાળાઓમાંથી વિશેષ contribution રહ્યું અને એટલે વિજેતાઓનું પણ Concentration તે શાળાઓમાં વધું રહ્યું. ઘણી શાળાઓમાં વાર્તા-સ્પર્ધા એક પ્રોજેક્ટ તરીકે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેથી સ્પર્ધામાં વાર્તાઓની સંખ્યા અને ગુણવત્તા જળવાઈ રહે છે.

આ વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી રચનાત્મક શીર્ષકો વાળી વાર્તાઓ મળી. થોડાં શીર્ષકો જોઈએ : મનુષ્યથી મચ્છરની મુસાફરી, પિઝાની મથામણ, બોક્સનું રહસ્ય, કાગવાસ, AC માસી અને પંખો ભાણો, ચમત્કારી જીવડું, પિંકુની ડબ્બી ડિઝાઈનર પતંગ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મેદાન તો દીકરીઓ જ મારી ગઈ છે. દર વર્ષે આપણે ૩+૫ ઇનામો આપીએ છીએ, આ વખતે આપણે 3+9 ઇનામો આપ્યાં, 12માંથી માત્ર એક દીકરો! શિક્ષકોમાં રેશીઓ થોડો સુધર્યછેો.. . ૮ બહેનો સામે ૪ ભાઈઓ છે, પણ પહેલાં ત્રણે ઇનામો તો બહેનો જ મેળવે છે! છેલ્લું અને આશ્ચર્યજનક છતાં સુખદ તારણ ...... અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન બહુ સરસ રહે છે. આમાં વિદ્યાર્થીઓનું પોતાનું પ્રદાન તો ખરું જ. બે ભાષાઓ જાણવાને લીધે તેમનું વાંચન વધુ હોય તેવું પણ બની શકે. પણ શાળાનાં શિક્ષકોની અને ઘરમાં વાલીઓની જો ગુજરાતી ભાષા માટેની જાગૃતિ ન હોય તો આ શક્ય જ નથી. અંગ્રેજીની સાથે ગુજરાતીના લેખન પર પણ હથોટી જમાવી રાખવા માટે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, તેમનાં વાલીઓ અને શાળાનાં શિક્ષકો ખૂબખૂબ અભિનંદનને પાત્ર છે!

આખું વર્ષ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાને ગમતી વાર્તાઓ, કવિતાઓ, પ્રસંગો, ચિત્રો, માહિતી વગેરે એક બીજાને શેર કરી શકે, ગમતાનું ગુલાલ કરી શકે, તે માટે આ www.vartamelo.org વેબસાઈટનો ઉપયોગ કરવા આપ સૌને અમારું આમંત્રણ છે. તમારી શાળાની, તમારા ગામ કે શહેરની, નાની-નાની ત્રણ-ચાર મિનિટની વીડિયો બનાવી અમને મોકલશો તો બધી સ્કૂલો તેને જોઈ શકશે. એકબીજાનો પરિચય થશે અને વધશે. વળી આપણો વાર્તા-મેળોનો સંઘ પણ ઘણો આગળ વધશે, એવી અમારી ઈચ્છા છે!

આપણી વેબસાઈટ www.vartamelo.org માટે આપણને સંપૂર્ણ સાથ અને સહકાર આપવા બદલ દ્રષ્ટિ પંડ્યાનો આભાર માનીએ તેટલો ઓછો છે! વાર્તાઓના આકલનના કામમાં મને મદદ કરનાર સ્વેતલ ગજ્જર અને નંદીની ભાવસાર તથા રચનાત્મક ડીઝાઇનના કામ માટે શ્રી દેવપાલ શાહનો આભાર! ઇનામી કૃતિઓની તારવણીના કામમાં સેવા આપવા બદલ ભાષા-તજજ્ઞો શ્રી યશવંતભાઈ મહેતા, શ્રીમતી લતાબહેન હિરાણી તથા શ્રીમતી શ્રદ્ધાબહેન ત્રિવેદીનો આભાર. મારા પતિદેવ શ્રી રાજેશ કિકાણીના સહકારથી જ દર વર્ષે વાર્તામેળો શક્ય બને છે, તેમનો આભાર કેવી રીતે માનું?

- દર્શા રાજેશ કિકાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *