લોકડાઉનના સમયમાં શાળાઓ બંધ હતી. ગણિતનો ઓનલાઈન ક્લાસ પૂરો કરીને દિશા ફેસબૂક જોવા લાગી. ખરેખર તો ઓનલાઈન ક્લાસના બહાને દિશા આખો દિવસ સોશિયલ મીડિયામાં જ વ્યસ્ત રહેતી હતી.

દિશા સોશિયલ મીડિયામાં મશગૂલ હતી ત્યાં જ પ્રીતનો ફોન આવ્યો.

“હેલ્લો દિશા, તું અત્યારે શું કરે છે ?”

“હું સોશિયલ મીડિયામાં ચેટીંગ કરું છું.”

“એમાં ટાઇમવેસ્ટ કરવાનું મૂકીને જલ્દી મારા ઘરે આવીજા. મારા પપ્પા એક સરસ મજાની ડિજીટલ બૂક લાવ્યા છે.”

“પ્રીત,મને બૂક્સમાં જરાપણ રસ નથી. મને ફેસબૂકમાં મજા આવે છે.”

“દિશા, આ કોઈ સામાન્ય બૂક નથી. તું જલ્દી આવને પ્લીઝ.”

“ઠીકછે.” એમ બોલીને મોઢું બગાડતી દિશા પ્રીતના ઘરે પહોંચી.

આકાશ, કોમલ, ઓમ અને ઈશા પ્રીતના ઘરે જ બેઠાં હતા.

“હેલ્લો ફ્રેન્ડસ.”

“હેલ્લો દિશા.” બધા મિત્રોએ દિશાને આવકારી.

“પ્રીત, હવે તો દિશા પણ આવી ગઈ. હવે તો તારી ડિજીટલ બૂક બતાવ.”

ઉતાવળી ઈશા બોલી.

“હવે તો અમારી ધીરજ ખૂટી ગઈ છે. જલ્દી ડિજીટલબૂક બતાવ.” બધા મિત્રો એ વિનંતી કરી.પ્રીત દોડીને કબાટમાંથી એક બોક્સ લઈ આવ્યો. બધા મિત્રોને આંખ બંધ કરવા કહ્યું. “વન..ટુ..થ્રી…ઢેણટેણેણણણ…….ચાલો આંખો ખોલો.”

બધા મિત્રો બૂક જોવા લાગ્યા. પ્રીતની નવી નક્કોર ડિજીટલ બૂક જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ.

“ભારતનો ભવ્ય સાંસ્કૃત્તિક વારસો. આ છે મારી ડિજીટલબૂક.”

“વાઉ…સુપર્બ બૂક…” ઓમ ઉત્સાહમાં આવી ગયો.

“ફ્રેન્ડસ, આ કોઈ સામાન્ય બૂક નથી. આ બૂક સાથે એક ડિજીટલ પેન છે. જેની મદદથી બૂકમાં લખેલું સાંભળી પણ શકાય છે.” પ્રીતે રહસ્ય ખુલ્લું કર્યું.

“એટલેકે આ બોલતી બૂક છે એમને?” ઈશા બોલી.

બોલતી બૂકની વાત સાંભળીને બધા વિચારમાં પડી ગયા.

“ઈમ્પોસીબલ. બોલતી બૂક ક્યારેય હોય જ નહિ.” કોમલે શંકા વ્યક્ત કરી.

“મને ખબર છે કોમલ, તું સાબિતી વિના ક્યારેય કોઈ વાત માનતી નથી.”

“હું સાયન્સ સ્ટુડન્ટ છું એટલે પ્રુફ વિના વિશ્વાસ ન કરું.” કોમલે છણકો કર્યો.

“મિત્રો, તમે બધા જાતે જ જોઈલો મારી ડિજીટલ બૂકનો મેજીક.”

પ્રીતે બૂકનું પહેલું પાનું ખોલ્યું. ડિજીટલ પેનની લાઈટ ચાલુ કરીને બૂકના ટાઈટલ ઉપર અડાડી. “ભારત નો ભવ્ય સાંસ્કૃત્તિક વારસો.” ડિજીટલ પેન માંથી રોબોટ જેવો અવાજ સંભળાયો.બધા મિત્રો દંગ રહી ગયા. એકબીજાની સામે જોવા લાગ્યા.પ્રીતે પેન આગળ ચલાવી. ડિજીટલ પેન બોલી : “આ પુસ્તકમાં તમે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવશો.” “અરે વાહ ! અમારી શાળામાં આવતા અઠવાડિયે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ભારતનો ભવ્ય સાંસ્કૃત્તિક વારસો’ વિષય ઉપર નિબંધ સ્પર્ધા થવાની છે. તો મને આ બૂક ખૂબ ઉપયોગી થશે.” આકાશ ખુશ થઈ ગયો.

પ્રીતે બૂકનું પ્રથમ પ્રકરણ ખોલ્યું. ‘ભારતનો પરિચય’ લખેલા વાક્ય ઉપર પેન અડાડી. ડિજીટલ પેનમાંથી માહિતી બોલવાની શરૂ થઈ.

“ભારત…..ભવ્ય અને દિવ્ય ભારત….બહાદુર બાળક ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો ભારત દેશ ખરેખર અનોખો અને અદભૂત દેશ છે. ભૂતકાળમાં ‘સોને કી ચીડિયા’ તરીકે ઓળખાતો દેશ અનેક બાહ્ય આક્રમણો પછી પણ આજે વિશ્વમાં અડિખમ અને અગ્રેસર ઊભો છે. ભારતને પુષ્કળ પ્રમાણમાં પ્રાકૃત્તિક સંપદા મળી છે. ભારતની ઉત્તરે ઊંચો હિમાલય છે, તો દક્ષિણે વિશાળ હિંદ મહાસાગર હિલોળા કરે છે. પશ્ચિમે અફાટ રણ છે, તો પૂર્વમાં હરિયાળો વિસ્તાર છે. વળી, ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ગૌતમ બુદ્ધ્, મહાવીર સ્વામીએ ભારતમાતાના ખોળે જન્મ લીધો છે.  સંત, શૂરવીર અને દાતાઓ આ ભારતભૂમિની ઓળખ છે. વૈદિક જ્ઞાન અને ભવ્ય સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ આજે એકવીસમી સદીમાં પણ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. સર્વધર્મ સમભાવ, શાંતિ અને સહિષ્ણુતાથી દુનિયાને વિશ્વશાંતિનો માર્ગ ચીંધી રહ્યો છે. આમ, ભારત દેશ સાંસ્કૃતિક, પ્રાકૃતિક, ધાર્મિક અને સામાજિક રીતે ભરપૂર સમૃદ્ધિ ધરાવે છે.”

ભારતનો ભવ્ય પરિચય સાંભળીને બધા મિત્રો ગર્વ અનુભવવા લાગ્યા.

અજયે ઉત્સાહમાં આવીને પૂછ્યું : “પ્રીત, અમારા સમાજિક વિજ્ઞાન શિક્ષકે હમણા જ એક વાત કરી હતી તે હું કહું?”

“હા..હા..જરૂર..”

“વર્ષો પહેલા દમાસ્કસ થી આવેલા પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ઊતર્યા હતા. તેમણે આશરો આપવા માટે સંજાણ ના રાજાને વિનંતી કરી. રાજાએ દૂધથી છલોછલ ભરેલો એક પ્યાલો મોકલીને કહ્યું કે, ‘અમારું રાજ્ય આ દૂધના કટોરાની જેમ લોકોથી ખીચોખીચ ભરેલું છે. તમને સમાવી શકાય તેમ નથી.”

“તો પછી પારસી લોકો પાછા ચાલ્યા ગયા?” ઈશાએ રસ દેખાડ્યો.

“ના..ના..પારસી એ દૂધથી ભરેલાએ પ્યાલા માં થોડીક સાકર ભેળવીને પોતાનો જવાબ મોકલ્યો. “દૂધમાં સાકર ભેળવવાનો શો અર્થ? તેમને ગળ્યું દૂધ જોઈતું હતું ?” ઈશાએ ફરી ડહાપણ વઘાર્યું.બધા મિત્રો હસવા લાગ્યા.

“પારસી લોકો કહેવા માંગતા હતા કે, અમને આશરો આપશો તો અમે તમારા લોકો સાથે ‘દૂધમાં સાકર’ની ભળી જઈશું. આથી  સંજાણના રાજાએ ભારતીય સંસ્કૃત્તિ મુજબ ઉદાર દિલથી પારસીઓને આશરો આપ્યો. આજે પણ ગુજરાતમાં પારસીઓ ‘દૂધમાં સાકર’ની જેમ આનંદથી રહે છે.” અજયે પોતાની વાત પૂરી કરી.

ઓમ બોલ્યો : “સાચેજ, ભારતીય સંસ્કૃતિ મહાન છે. ભારતના લોકોએ હંમેશા સૌને પ્રેમપૂર્વક આવકાર્યા છે, સ્વીકાર્યા છે અને વિકસાવ્યા છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની પરંપરાને સાર્થક કરી બતાવી છે. સંસ્કૃતમાં શ્લોક છે કે-

“અયંનિજ: પરોવેતિગણનામલઘુવેતસામઉદારચરિતાનાં તું વસુધૈવ કુટુમ્બકમ”

ઓમે કોમલને ખિજવવા પૂછ્યું : “કેમ કોમલ, હવે તો ડિજીટલ બૂકનો મેજીક માની ગઈને ?”

“ના..હું હજી નથી માનતી. મને ભારતની પ્રાચીન ગુરુકુળ વ્યવસ્થા વિશે માહિતી મળે તો હું સાચું માનું.” કોમલે મોં મચકોડ્યું.

પ્રીતે અનુક્રમણિકા જોઈને ચોથું પ્રકરણ ખોલ્યું. ડિજીટલ પેન ચાલું કરીને લખેલી માહિતી ઉપર પેન અડાડી.ડિજીટલ પેનમાંથી રોબોટ જેવા અવાજે માહિતી મળવાની શરૂ થઈ.

“ભારતની પ્રાચીન ગુરુકુળ વ્યવસ્થા ખૂબ ઉત્તમ હતી. હજારો વર્ષો પહેલા સાંદીપનિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, યાજ્ઞવલ્કય જેવા અનેક ઋષિઓના આશ્રમો હતા. વિદ્યાર્થીઓ આઆશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીઓને વેદપુરાણ, ઉપનિષદ, ખગોળવિદ્યા, આયુર્વેદ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓનાજીવન કૌશલ્યોનો વિકાસ થાય તે માટે આશ્રમના બધા કામ જાતે કરતા હતા. ઋષિઓ ધનુર્વિદ્યા, તલવારબાજી, આકાશદર્શન, યજ્ઞ વગેરેનું પ્રાયોગિક કાર્ય પણ કરાવતા હતા.”

પ્રીતે પૂરક વાત ઉમેરતા કહ્યું : “મિત્રો, આપણા ઋષિઓ ખૂબ જ જ્ઞાની અને સંશોધક હતા. તેઓ જ્યોતિષ, ચિકિત્સા, આયુર્વેદ વગેરેમાં નિપુણ હતા.”

અજય બોલ્યો : “મારા દાદાજી કહેતા હતા કે, પ્રાચીન સમયમાં યુદ્ધમાં વિવિધ હથિયારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આધુનિક મિસાઈલની શોધ તો હમણા થઈ હશે, પરંતુ આપણા પૂર્વજો અગ્નિબાણ, વર્ષાબાણ, શબ્દવેધી બાણ જેવા અનેક હથિયારોનો ઉપયોગ કરતા હતા.

ઉતાવળી ઈશા બોલી “મેં પણ રામાયણમાં જોયું છે કે રાવણ પાસે ‘પુષ્પક’ વિમાન હતું જે આકાશમાં ઊડતું હતું.”

“હા મિત્રો, વાત એકદમ સાચી છે. આપણા પૂર્વજો ગણિત અને વિજ્ઞાનમાં પણ ખૂબ હોંશિયાર હતા. તેઓ ખગોળીય ઘટનાઓની સચોટ આગાહી કરી શકતા હતા.”પ્રીતે નવી વાત જણાવી.

“પ્રીત, આ શેનું ચિત્ર છે? તેના વિશે કંઈક માહિતી આપને.”ઉતાવળી ઈશાએ વચ્ચેથી જ પૂછી લીધું.

“ઓહોહોહો…તુંતોભારેઉતાવળીહો.”

પ્રીતે આપેલા ચિત્ર ઉપર પેન અડાડી.

“આ ભારતની વિશ્વવિખ્યાત નાલંદા વિદ્યાપીઠ છે. પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશીલા, વલ્લભી, વિક્રમશીલા, વારાણસી, શારદાપીઠ એમ કુલ તેર પ્રખ્યાત વિદ્યાપીઠો હતી. દસમી સદીમાં ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તે સમયમાં ત્યાં ૧૦ હજાર નિવાસી/વિદ્યાર્થીઓ, ૧૫૧૦ શિક્ષકો અને લગભગ ૨૦૦૦ જેટલા કાર્યકરો હતા. આ વિદ્યાપીઠમાં ‘રત્નસાગર’,‘રત્નનિધિ’,‘રત્નરંજન’ નામના ત્રણ પુસ્તકાલયો હતા. જેમાં ત્રણ લાખથી વધુ પુસ્તકો હતા. કોરિયા, જાપાન, ચીન, ઈન્ડોનેશિયા, તુર્કી વગેરે દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવતા હતા.”

“ઓહમાયગોડ ! અનબીલીવેબલ !”ઓમના મોઢામાંથી ઉદગાર સરી પડ્યા.

“આટલી મોટી વિદ્યાપીઠ વિશે મેં ક્યારેય સાંભળ્યું ન હતું. ખરેખરઅદભૂતકહેવાય.”

“પ્રાચીન ભારતની આવી વિશાળ શિક્ષણવ્યવસ્થા વિશે જાણવાની ખૂબ મજા આવી. વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો પર મને ગર્વ થાય છે.” આકાશની છાતી ગજગજ ફૂલતી હતી.

સૌ મિત્રોએ તાળીઓ પાડી.

ડિજીટલ બૂકના આગળના પ્રકરણમાં આર્યભટ્ટનો ફોટો હતો. પ્રીતે આર્યભટ્ટના ફોટા ઉપર ડિજીટલ પેન અડાડી. ‘ભારતના સંશોધકો’નું પ્રકરણ શરૂ થયું.

“ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રમાં ભારતમાં અનેક શોધખોળ થઈ છે. જેમકે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. હજારો વર્ષો પહેલા વિવિધ ઔષધિઓના ઉપયોગ દ્વારા ચરક અને શૈલ્ય ઋષિ લોકોની સારવાર અને ઓપરેશન કરતા હતા. આપણા પૂર્વજો સૂર્યમંડળ અને ગ્રહોનું જ્ઞાન તથા ખગોળીય ઘટનાઓ વિશે પણ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. આપણા પૂર્વજો જળ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી એમ પંચતત્ત્વોની મહત્તા સમજતા હતા. તેઓવિવિધઔષધિય વનસ્પતિઓનું જ્ઞાન ધરાવતા હતા. તથા પ્રકૃતિનું રક્ષણ કરાવા માટે વૃક્ષોને દેવ તરીકે પૂજતા હતા. આમ, પ્રાચીન ભારત અનેક શોધખોળમાં પણ ખૂબ આગળ હતું.”

“કેમ કોમલ, હવે તો તું ડિજીટલ બૂકની વાત માની ગઈને ?” આકાશે ટહુકો કર્યો.

“હા મિત્રો, મને આજે ભારતના ભવ્ય સાંસ્કૃત્તિક વારસાની વાત સાંભળવાની ખૂબ મજા આવી. આવી ભવ્ય અને દિવ્ય ભારતભૂમિ ઉપર ગર્વ થાય છે. મને ભારતની ધરતી ઉપર જન્મ મળ્યાનું ગૌરવ અનુભવું છું. હું ભારતમાતાને બે હાથ જોડીને શત શત વંદન કરું છું.”કોમલે ભારત માતા ને વંદન કર્યા.

“કોમલ. ફક્ત તું જ નહિ, ભારતનો દરેક નાગરિક ભારતના સાંસ્કૃત્તિક વારસા ઉપર ગર્વ અનુભવે છે. અમે બધા ભારતમાતાને વંદન કરીએ છીએ.”

બધા મિત્રોએ ઊભા થઈને ભારતમાતાને વંદન કર્યા.

ડિજીટલ બૂકમાંથી અવાજ આવતો હતો “જયહો, ભારતભૂમિની જય હો…ભારતીય સંસ્કૃત્તિની જય હો…”

  • વાર્તા નંબર86
  • શિક્ષકનું નામ :પીયુષ જોટાણિયા
  • શાળાનું નામ: ગાવડકા પ્રાથમિક શાળા- અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *