હું બહુ નાની હતી ત્યારથી જ મારા દાદા-દાદી અને માતા-પિતા મને વાર્તાઓ કહી સંભળાવતા. થોડી મોટી થઈ પછી તો હું પોતે પણ સાંભળેલી વાર્તા તેમને કહી સંભળાવતી. નાનપણથી જ મળેલા એ સંસ્કારોને કારણે આજે પરિવારની વચ્ચે બેસીને મારા વિચારો કલમબદ્ધ કરી લખેલી વાર્તા રજૂ  કરવાનો આ અવસર મને ‘વાર્તા મેળો-6’દ્વારા મળેલો છે, તો એ વાર્તા અહીં રજૂ કરીશ. આ માટે મારા પરિવાર તથા ‘વાર્તા-મેળો -6’ ની આભારી છું મારી વાર્તાનું શીર્ષક છે ….ગૌરવની વાત.

ઘણાં વર્ષો પહેલાની વાત છે. એક સુંદર મજાનું ગામ હતું ગામનું નામ માધવપુર હતું. ગામમાં ખૂબ હરિયાળી હતી ઊંચા ઊંચા અને લીલાછમ ઝાડ હતા. ગામના લોકો હળીમળીને રહેતાં અને ગામને પણ ખૂબ સ્વચ્છ અને સાફ રાખતાં.

ગામમાં એક છોકરો રહેતો હતો છોકરાનું નામ કેશવ. કેશવની ઉંમર 12 વર્ષ કેશવ ભોળો અને સરળ સ્વભાવનો હતો. આ બાળકને એક જ વાતનું દુઃખ નામ તેનું હતું કેશવ પણ કેશનો જ અભાવ ! માથે ફક્ત એક જ વાળ ! માતા-પિતાએ ઘરગથ્થુ ઘણાં પ્રયત્નો કર્યા. જડીબુટ્ટીઓ અને જાતજાતનાં તેલનો પણ ઉપયોગ કર્યો પરંતુ કેશવના વાળ ઉગાડવામાં સફળતા ન મળી.

કેશવઆ તકલીફને લીધે આજુબાજુ રહેતાં  બાળકો સાથે હળી મળી શકતો નહીં, રમી શકતો નહીં આથી તેને કોઈ મિત્રો પણ ન હતા.તે સમયે હંમેશાં લાગતું કે બીજા બાળકો મને ચિઢવશે તો? આ વાતથી કેશવ સદાય ચિંતામાં રહેતો. એક દિવસ તેની માતાએ કેશવને તેની તકલીફના ઉપાય માટેબાજુમાં જ રહેતા વિજ્ઞાની ડૉ.દેસાઈ પાસે જવાનું સૂચવ્યું. વિજ્ઞાની પાસે જવાની વાત ના વિચાર સાથે જ રાત્રે કેશવ ઊંઘી ગયો.

સવારે ઉઠીને નજીકમાં જ રહેતા વિજ્ઞાની ડૉ.દેસાઈ પાસે કેશવ પહોંચી ગયો ડૉ.દેસાઈને પોતાની તકલીફ જણાવી. વિજ્ઞાનીએ કહ્યું કે, આ પૃથ્વી પર તો તારી તકલીફ નો ઉપાય નથી, પણ આલ્ફા ગ્રહમાં તારી મુસીબતનો ઉકેલ છે. અહીં પાસે મ્યુઝિયમમાં એક અવકાશ યંત્ર છે. જેની મદદથી તું આલ્ફા ગ્રહમાં જઈને તારા વાળની તકલીફનો ઉપાય શોધી શકીશ.

બીજે દિવસે બંને જણા મ્યુઝિયમમાં પહોંચી ગયા. અવકાશયાન વિશાળ અને ગોળાકાર હતું. ડૉ.દેસાઈએ બહારથી એક ચાંપ દબાવી ત્યાં તો અવકાશયાન ખૂલી  ગયું અને બંને અંદર પ્રવેશ્યા. અવકાશયાન ખૂબ સુખ સુવિધા વાળું આધુનિક હતું. તેમાં કંટ્રોલ પેનલ અને મોટી ડિસપ્લે પેનલ હતી. વિજ્ઞાની ડૉ.દેસાઈએ કેશવને અવકાશયાન ચાલુ બંધ કરતા અને બીજી સગવડોનો ઉપયોગ કરતા શીખવ્યું.

પછીના દિવસે પોતાની જરૂરિયાતનો સામાન લઈને કેશવ મ્યુઝિયમમાં પહોંચી ગયો. પોતે અવકાશયાન ચાલુ કર્યું અને તે સુપરસોનિક ગતિથી અવકાશમાં ઊડવા લાગ્યું. જોતજોતામાં અવકાશયાન અવકાશમાં પહોંચી ગયું ! રસ્તામાં કેશવે લાલ ગ્રહ, પ્લુટો ગ્રહ અને અનેક ટમટમતા તારાઓ કે જે પોતે કદી જોયા ન હતા તે તેને વાસ્તવિક જોવા મળ્યા.ડૉ.દેસાઈએ અગાઉથી જ આલ્ફા ગ્રહ સુધીનો રસ્તો અંકિત કરેલો હતો એટલે અવકાશયાન ‘આલ્ફા ગ્રહ’ પર ઊતર્યું.

ચાંપ દબાવીને કેશવ અવકાશયાનની બહાર નીકળ્યો. આ ગ્રહ સૂરજથી દૂર હોવાને કારણે ત્યાં વાતાવરણ ખૂબ ઠંડુ હતું. ત્યાંની માટી વાદળી રંગની હતી ! ત્યાંની જમીન પર પથ્થર નહીં પરંતુ રત્નો ફેલાવેલાં હતા ! વૃક્ષો 50 મીટર ઊંચા હતા. તેના પાંદડા લાલ રંગના અને સોનેરી મોતીની જેમ કે તેવા ફળફૂલ હતાં. કેશવ ને તો ખૂબ નવાઈ લાગી !

આ ગ્રહ પર ચાલતાં કેશવે એક વિશાળકાય  સાપ જોયો કે જે હવામાં ઊડતો હતો. આ સાપને  ડ્રેગન જેવી વિશાળ પાંખો હતી. તેના માથા પર સુંદર કેશવાળી હતી. કેશવે આ વિચિત્ર પ્રાણીને પૂછ્યું, “તમે કોણ છો ?”સાપે જવાબ આપ્યો કે પોતે આલ્ફા ગ્રહના યુરોપા નામની સાપની પ્રજાતિ છે.સાપની સુંદર કેશવાળી જોઈને કેશવે તેની પાસે થોડા વાળ માગ્યા.યૂરોપાની કેશવાળીના વાળ પોતાના માથા પર ગોઠવીને કેશવ ખુશ થયો. પરંતુ એ વાળ બરડ હતા. કેશવની ટાલ  પર ખૂંચવા લાગ્યા સાપના વાળ ત્યાં જ મૂકીને કેશવ હવે આગળ વધ્યો.

ચાલતાં ચાલતાં કેશવને બીજું વિચિત્ર પ્રાણી દેખાયું  આ પ્રાણી દેખાવે એક વૃક્ષ જેવું હતું ! તે બોલી ચાલી શકતું હતું. તેના શરીર પર દસ ફૂટ લાંબા વાળ હતા. વાતચીતથી કેશવ ને ખબર પડી કે આ કોઈ વૃક્ષ નહીં પરંતુ એક એકટોમસ પ્રજાતિનું પ્રાણી હતું. કેશવે તેને પોતાની વાળની મુસીબત કહી સંભળાવી, અને થોડા વાળ  માગ્યા ઓક્ટોમસ પાસેથી વાળ મેળવીને કેશવે  પોતાના માથા પર ગોઠવ્યા પરંતુ આ તો વૃક્ષના વાળ ! થોડીવારમાં તો આવા વાળ સૂકાઈને ખરી પડ્યા!

નિરાશા અને થાકને લીધે કેશવ એક ઝાડ નીચે બેસી ગયો. ઝાડથી થોડે દૂર  તેને જમીન પર ચાલતી માછલીઓ જોઈ ! તેના શરીર પર શાહુડી જેવા કાંટા અને પૂછડીઓ  હતી. પરંતુ તેમાંથી એક માછલી ને પૂંછડી ન હતી અને તે બધાથી અલગ દેખાતી હતી કે સૌને આ માછલી સાથે વાત કરવાનું મન થયું.માછલી સાથે વાતચિતથી  કેશવને ખબર પડી કે તે એક “ઓરેકસ” પ્રજાતિની માછલી છે એને દાંત પણ નહોતા અને વધારામાં પૂંછડી પણ ન હતી ! કેશવે તેને પૂછ્યું, “તમે તમારામિત્રો કરતા અલગ દેખાવ છો, છતાં પણ તેમની સાથે કેવી રીતે રહો છો? તમને શરમ નથી આવતી?” ઓરેકસે કહયું,” અરે,ભાઈ ! આમાં શરમ શાની ? અરે, ઉલટાના બધા મને માન આપે છે. હું બધાથી અલગ છું ને ! મારા જેવું કોઈ નથી,એ કંઈ નાનીસૂની વાત છે ?”

કેશવને આ વાત ગળેઊતરી ગઈ. પોતાને એક જ વાળ છે એટલે બીજા કરતાં પોતે અલગ જ છે તે હકીકત એણે સહર્ષ સ્વીકારી લીધી અને પૃથ્વી પર પાછા જવાનું નક્કી કર્યું.

તેણે અવકાશયાન પાસે પાછા જઈને એ ચાલુ કર્યું અને ઘરરર…..ઘરરર…… કરતો ઊપડ્યું અને …અને ….અરે આતો મમ્મીનું મિક્સર ઘરરર…..ઘરરર…… ફરે છે !

કેશવ ને સમજાયું કે પોતે ઊંઘમાં સપનામાં આલ્ફા ગ્રહ પર પહોંચી ગયો હતો.પણ આ સપનાએ એને સમજ આપી! માથે ભલે એક જ વાળ  હોય – આપણા રામ બધાથી અલગ ! એ તો ઊલટાની ગૌરવની વાત !!

  • વાર્તા નંબર: 573
  • વિદ્યાર્થીનું નામ – સુમેધા ઈશાન મહેતા
  • શાળાનું નામ – ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન – અમદાવાદ-59
  • ધોરણ : ૯ બ

3 Thoughts on “ગૌરવની વાત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *